ભારતમાં લવ જિહાદ ચાલે છે એ સાવ સાચી વાત હોવા છતાં દરેક હિન્દુ ઘરમાં જે ઘટનાઓ બને છે જેવી કે છોકરીને દલિત છોકરા સાથે કે રખડેલ ગરીબ સવર્ણ છોકરા સાથે કે ઘરના નોકર સાથે પ્રેમ થઈ જાય કે છોકરી અનેક છોકરા સાથે ભટકતી હોય તો ઘરમાં મારામારી થાય કે જાનહાનિ થાય એવી ઘટનાઓ બને તેવી દરેક ઘટનામાં લવ જિહાદ ઘુસાડવી એ એક માનસિક વિકૃતિ છે.
ભારતમાં કોઈ પણ મુદ્દાને હિન્દુ-મુસ્લિમનો રંગ આપીને સમાજમાં ઝેર ફેલાવવાનો ખતરનાક ખેલ એક ચોક્કસ વર્ગ ખેલી રહ્યો છે. ગમે તે ઘટના બને , એ ઘટનાને કોમવાદી રંગ ચડાવીને હળાહળ જૂઠ્ઠાણાં ફેલાવવા , હિન્દુઓમાં ડર ફેલાવવા અને મુસ્લિમો સામે નફરત પેદા કરવા માટે આ ગેંગ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ જાય છે. આ વિકૃત માનસિકતા છે.અને આ વિકૃતિનો તાજો દાખલો ગુરુગ્રામની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા અંગે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર ચાલી રહેલો કુપ્રચાર છે.
25 વર્ષની રાધિકાની તેના પિતાએ 10 જુલાઈએ ઘરમાં ચાર ગોળી મારીને હત્યા કરી નાખી. પિતા દીપક યાદવે પોલીસને ક્હ્યું કે તેને અમે એકેડમીમાં કામ કરવાનું અને ટ્રેનિંગ લેવાનું બંધ કરવાનું કહેતા હતા પણ તે માનતી નહતી તેથી મેં ગુસ્સે થઈને ગોળી મારી દીધી. જ્યારે પોલીસે તમામ એન્ગલથી તપાસ કરીને એમ ક્હ્યું કે દીપક યાદવ પાસે રાધિકાની હત્યા કરવા માટે બીજું કોઈ કારણ એટલે કે મોટીવ નહતો. તેથી રાધિકાના પિતાની વાત સાચી લાગે છે.
જ્યારે સોશિયલ મીડિયા અને ટીવીના ફેંકછાપ મહાજ્ઞાનીઓએ ઉપરોક્ત સત્યને કચડી નાખીને આ ઘટનાને લવ જિહાદના રંગે રંગી દીધી. આથી રાધિકાનું ચારિત્ર્ય હનન કરાઈ રહ્યું છે. અને પિતાએ લવ જિહાદના કારણે ખૂન કર્યું એવી ગપોડી માનસિકતા ટીવીમાં બતાવાઈ રહી છે. દીકરીને ગુલામ બનાવીને રાખવાની આ માનસિકતા પોષવામાં આવશે તો ભારત પણ અફઘાનિસ્તાન બની જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
અર્ક::::::
કોઈ સાચી વાત કહે તો વિચલિત ના થાવ, ને ખોટું કહે તો ગુસ્સે ના થાવ.
——ડો.હરીશ પટેલ