બધા ધર્મોમાં આરોગ્ય બાબતે અગ્રેસર એવો જૈન ધર્મ કહે છે સવારે 11 વાગ્યા પહેલાં કેળુ ખાવ તો સોના સમાન છે. પછી લોખંડ સમાન. મોટા કેળા કરતાં નાના ઈલાયચી કેળાના ગુણ વધારે છે. પાકુ કેળુ વજન વધારે છે જ્યારે કાચુ કેળુ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ડાયાબીટીસ અને મરડામાં કાચા કેળા ગુણકારી છે.
સ્વાસ્થ્યનો ખજાનો કહેવાતા કાચા કેળામાં અનેક ચમત્કારી ગુણ છે. તેમાં ફાયબર, વિટામિન સી, બી 6, વિટામિન એ અને પોટેશિયમ,ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક જેવાં પોષક તત્વો સમાયેલાં છે. તે વજન અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. ત્વચાને ચમકદાર બનાવે છે. તેમજ રોગ પ્રતિકારક શકિત વધારીને આરબીસી લાલ કણ RBC ના ઉત્પાદનમાં વધારો કરે છે.
કાચા કેળામાંથી શાક, ચિપ્સ, કટલેટ, પેટિસ અને ભજિયાં પણ બને છે. અન્ય શાકમાં કાચા કેળા નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે. આજે આપણે કાચા કેળાનું શાક બનાવીશું.
કાચા કેળાનું શાક બનાવવાની રેસીપી
સૌ પ્રથમ કાચા કેળાની છાલ કાઢી નાખીને ટુકડા કરીને એક તપેલીમાં 2 ગ્લાસ ગરમ પાણી કરીને તેમાં કાપેલા કેળાના ટુકડા મૂકવા. પછી તેમાં ચપટી સિંધાલૂણ મીઠુ તથા હળદર ભેળવવી. કેળા બફાઈ જાય પછી ચારણીમાં કાઢીને નિતારી લેવાં. હવે કડાઈમાં નાની ચમચી તેલ, એક ચમચી ઘી અને જીરુ મૂકી શેકવું. શેકાઈ જાય પછી આખા ધાણા, તલ, ઝીણા સમારેલા આદુ મરચાં, મીઠો લીમડો નાખીને હલાવતા રહેવું. તલ તતડવવા લાગે એટલે તેમાં કેળાં ગોઠવીને ધીમા તાપે પકાવવું. પછી તેમાં લાલ મરચુ, ગરમ મસાલો, ખાંડ વિગેરે ભેળવવું.
આ તૈયાર થયેલા કાચા કેળાના શાકને બાઊલમાં કાઢીને ઊપર
કોથમીર ભભરાવીને ગરમા ગરમ રોટલી, પરાઠા કે રાજગરાની પુરી બનાવીને ખાવા માટે મને ફોન કરવો.
जब रेसिपी बताई है तो इतना तो बनता है !!!
—–ડો.હરીશ પટેલ
ડાયેટિશિયન