2000 વર્ષ પહેલાં જે ભારતે વિશ્વગુરુ તરીકે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું હતું તે દેશ મોગલોની 800 વર્ષની ગુલામી પછી અંધશ્રધ્ધામાં અટવાઈ ગયો.
મોગલ શાસનના પતન પછી બ્રિટિશ સરકારે ભારતને ગુલામ બનાવી કેટલાક સારા કામ કર્યા હતા તે પૈકી ભારતમાં પ્રથમ ગ્રાન્ડ ટ્રન્ક રોડ કે જે નેશનલ હાઈવે નંબર 1 બનાવી માઇલ સ્ટોન મૂક્યા. તો ભારતીયો દોડ્યા હતા ને પથ્થર પર સિંદુર લગાવી માઈલ સ્ટોન ને હનુમાનદાદા તરીકે સ્થાપિત કર્યા હતા.
એ પછી ભારત આઝાદ થયું અને 2025 ની વાત કરીએ તો પુનાના પિંપરી વિસ્તારમાં એક વૃક્ષના થડમાંથી અચાનક પાણી નીકળવા લાગતાં ભારતીયો પવિત્ર જળ ફૂટી નીકળ્યું છે એમ
માનીને હળદર, કંકુ અને ફુલહાર લઈ પૂજા કરવા દોડ્યા હતા. જોતજોતામાં વૃક્ષ જળ દર્શન માટે લાંબી લાઇન લાગી હતી. કોઈકે એવું તૂત ચલાવ્યું કે આ પવિત્ર જળ ઔષધિયુકત ગુણ ધરાવે છે અને તેનાથી બીમારી પણ મટી જાય છે.
આ ઘટનાની જાણ પિંપરી-ચિંચવડ મહાપાલિકાને થતાં તપાસ કરી તો માલુમ પડ્યું કે વૃક્ષ નજીક ખોદકામ કરતાં અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થવાથી વૃક્ષના થડમાંથી પાણી નીકળવા લાગ્યું હતું.
શું પુના કે શું અમદાવાદ ! ભારતના કોઈ પણ મંદિરમાં ગણપતિદાદા દૂધ પીવે છે એની જાણ થતાં પલકવારમાં મસ મોટી લાંબી લાઇનો ટ્રાફિક જામ કરી દે છે.
પ્રાચીન સમયમાં મોગલો સોમનાથ મંદિર લૂંટવા કે આક્રમણ કરવા ભારતમાં આવતા હતા ત્યારે ભારતીયો સામનો કરવાના બદલે નાચતા કૂદતા કહેતા હતા કે હમણાં મારો મહાદેવ યવનોને ત્રીજુ નેત્ર ખોલીને બાળીને ભસ્મીભૂત કરી નાખશે !
તા. 12 જૂને એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદમાં 1938 લિટર પેટ્રોલ ભરેલી ટાંકી સાથે તૂટી પડ્યું ત્યારે વિમાનના પ્રવાસીઓના સ્વજનો એરપોર્ટ પર ” મહામૃત્યુંજય મંત્ર ” નો જાપ કરવા બેસી ગયા હતા. આ વિષય શ્રધ્ધાનો છે એ કબૂલ, પણ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. એટલે શ્રધ્ધાને અંધશ્રધ્ધામાં સરકતાં વાર નથી લાગતી. આપણે બીજું તો શું કરી શકીએ ? સ્વર્ગસ્થ યાત્રિકોના સ્વજનોના દુઃખમાં સહભાગી થઈ તેમનું દુઃખ હળવું થાય એવી પ્રાર્થના કરીએ.
જો લેટેસ્ટ ટેક્નોલોજીના 2025 ના જમાનામાં દેશ પુના જેવી ઘટનાથી અંધશ્રધ્ધાથી ખદબદતો હોય તો मेरा भारत देश विश्वगुरु कैसे बनेगा ???
અર્ક::::::
શાણા સ્વજનો પતિ-પત્ની, ભાઈ-બહેન, ભાઈ-ભાઈ કે પિતા-પુત્રના ઝઘડામાં જજ બનતા નથી. કેમ કે ડાંગે માર્યા પાણી છૂટા પડતા નથી. ઝઘડેલા લોકો પછી એક થઈ જાય છે. અને સ્વજનોએ જેના વિરુદ્ધ જજમેન્ટ આપ્યું હોય તેની નાહકની દુશ્મનાવટ વ્હોરી લે છે.
હું માનસિક જખમો માટે સામાજિક બજારમાં મલમ લેવા નીકળ્યો ‘ તો,
સ્વજનોએ આદત મુજબ મલમના બદલે નમક લગાવ્યું ‘ તુ.
—ડો.હરીશ પટેલ
ND NRI USA
( શ્રધ્ધા, અંધશ્રધ્ધા અને અશ્રધ્ધા વિષય પર લેખ હવે પછી. )