વાયરો ક્યાં લૈ ગ્યો ચમનના ફૂલોની ફોરમ, કોને ખબર ?
અમારું તો જીવન બની ગ્યું સુગંધી, અમે તો ભૈ એટલામાં રાજી !!!

ઓલ્યા નામ પાડે સેવાનું ને ધનના ઢગલા ઘર ભેગા કરે ,
પંખીઓએ શીખવ્યું કાલ માટે ના મળે એક દાણો માળામાં, ને અમારા દેહમાં લોહીના બદલે સેવા ફરે અમે તો ભૈ એટલામાં રાજી !

લોકો ભણે એટલું બધું ભણે કે ના પૂછો વાત ! અમે ચાર ચોપડી ભણેલા પણ કોઠાસૂઝમાં પાવરધા, અમે તો ભૈ એટલામાં રાજી !!!

કોઈ જાય ચારધામ જાત્રાએ ને કોઈ જાએ મક્કા-મદિના,
અમને મળે માતપિતાના આશીર્વાદ, અમે તો ભૈ એટલામાં રાજી !

શું એ લોકો દાળ-શાકમાં ભભરાવતા હશે સોનાની ભસ્મ? અમને મળે પ્રભુના ગુણ ગાતાં ગાતાં દાળ-રોટી, અમે તો ભૈ એટલામાં રાજી !

કેવું સ્વર્ગ ને કેવું નર્ક, કેવો મોક્ષ ને કેવું નિર્વાણ ? પ્રભુની સૃષ્ટિના વૈભવમાં ચપટી વૈભવ ઉમેરીને કરીએ પ્રયાણ, અમે તો ભૈ એટલામાં રાજી !

શિખર પર ધજા ફરકે એવી કીર્તિને શું કરશું ? તળેટીનાં બાળકોને હસતાં કરીએ, અમે તો ભૈ એટલામાં રાજી !

જમીન પરના ભગવાનના લીધે લોકો શિક્ષિત થાય સમૃધ્ધ થાય પણ સંગઠીત ના થાય, પાછળ રહી ગયેલાઓનો હાથ ઝાલી બેઠા કરીએ, ” હરીશ ” તો ભૈ એટલામાં રાજી !!!

—–આજે બસ આટલું જ,
શુભ રાત્રિ
——આપનો, ફક્ત આપનો જ,
—-ॐ રુપમ જી@ડો.હરીશ પટેલના ॐ સદગુરુદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *